Sunday, March 11, 2012

તને ફરિસ્તાની આંખે નિહાળી છે

લાગે છે આજે મેં તને ફરિસ્તાની આંખે નિહાળી છે;
એટલે જ તારા સૌંદર્યમાં એક દિવ્ય જ્યોતી નિહાળી છે.

લાગે છે આજે મેં તને નવાબી આંખે નિહાળી છે
એટલે જ તારી અદામાં પાકિઝાની નઝાકત નિહાળી છે.

લાગે છે આજે મેં તને પ્રેમીની આંખે નિહાળી છે;
એટલે જ તારી આંખોમા તોફાની સમુદ્રની લહેરો નિહાળી છે.

લાગે છે આજે મેં તને કવિની આંખે નિહાળી છે;
એટલે જ તારી રૂપમાં ગઝલની મસ્તી નિહાળી છે.

લાગે છે આજે મેં તને શિલ્પીની આંખે નિહાળી છે;
એટલે જ તારા કમનિય વળાંકોમાં કોતરણી નિહાળી છે.

લાગે છે આજે મેં તને ઝેસલની આંખે નિહાળી છે;
એટલે જ તારા અસ્તિત્વમાં સતીત્વની ઝલક નિહાળી છે.

લાગે છે આજે મેં તને ક્રિષ્નાની આંખે નિહાળી છે;
એટલે જ તારા વર્તનમાં રાધાની સાધના નિહાળી છે.

લાગે છે આજે મેં તને કાલિદાસની આંખે નિહાળી છે,
એટલે જ તારા શરીરમાં મેઘની ભીનાશ નિહાળી છે.

લાગે છે આજે મેં તને ચિત્રકારની આંખે નિહાળી છે
એટલે જ તારાંમાં સ્મિતમાં મોનાલિસાની મસ્તી નિહાળી છે

લાગે છે આજે મેં તને શરાબીની આંખે નિહાળી છે
એટલે જ તારા યૌવનમાં આઠોજામની ખુમારી નિહાળી છે

લાગે છે આજે મે તને 'અસિમ રાંદેરી'ની આંખે નિહાળી છે
એટલે જ તારી નખરાળી ચાલમાં કોલેજે જતી'લીલા'નિહાળી છે

લાગે છે આજે મેં તને 'રમેશ પારેખની' આંખે નિહાળી છે
એટલે જ તારા સ્નેહમાં 'સોનલ'ની સાલિનતાં નિહાળી છે

લાગે છે આજે મેં તને'ફરાઝ અહેમદ'ની આંખે નિહાળી છે
એટલે જ મેં તને આંખોને ભરીભરીને ટીકીટીકીને નિહાળી છે

લાગે છે મેં તને મારા ખૂદની આંખે નિહાળી છે;
એટલે જ મેં તારી આંખોમાં મારી દુનિયા નિહાળી છે.

(નરેશ કે. ડૉડીયા)

No comments: