Showing posts with label તુષાર શુકલ. Show all posts
Showing posts with label તુષાર શુકલ. Show all posts

Thursday, April 26, 2012

સાવ અણધાર્યું કોઈ ગમી જાય

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
-તુષાર શુકલ